રાષ્ટ્રીય પ્રતિજ્ઞા (ભારત)
રાષ્ટ્રીય પ્રતિજ્ઞા એ પ્રજાસત્તાક ભારત પ્રત્યેની નિષ્ઠા દર્શાવતી પ્રતિજ્ઞા છે. સામાન્ય રીતે સાર્વજનિક કાર્યક્રમો, ખાસ કરીને શાળાઓમાં સ્વાતંત્ર્ય દિવસ તથા પ્રજાસત્તાક દિવસ જેવા રાષ્ટ્રીય પર્વોની ઉજવણી વખતે તેનું પઠન કરવામાં આવે છે. પ્રતિજ્ઞા પત્રનો મુખ્ય ઉદ્દેશ દરેક નાગરિકને તેની નાગરિક તરીકેની ફરજો પ્રત્યે કટિબદ્ધ બનાવવાનો છે. આ પ્રતિજ્ઞાને સદાયને માટે યાદ રાખી અમલ કરવી, એ દરેક નાગરિકની ફરજ છે. આથી જ આ પ્રતિજ્ઞા પત્રને શાળાઓના દરેક ધોરણના, દરેક વિષયના પાઠ્યપુસ્તકમાં શરૂઆતનાં પાનાઓમાં સ્થાન આપવામાં આવેલું છે તેમ જ દરરોજ આ પ્રતિજ્ઞાનું પઠન કરાવવામાં આવે છે. રાષ્ટ્રીય પ્રતિજ્ઞાએ બંધારણનો ભાગ નથી.
રાષ્ટ્રીય પ્રતિજ્ઞાની રચના મૂળ તેલુગુ ભાષામાં ઈ.સ. ૧૯૬૨માં પી.વી.સુબ્બારાવ દ્વારા કરવામાં આવી હતી. તેનું સર્વપ્રથમ પઠન ૧૯૬૩માં વિશાખાપટનમની એક શાળામાં કરવામાં આવ્યું હતું ત્યારબાદ ક્રમશ: અન્ય રાજ્યોમાં પણ તેના પઠનની શરૂઆત થઈ હતી.
ઉત્પત્તિ
[ફેરફાર કરો]રાષ્ટ્રીય પ્રતિજ્ઞા પત્રની રચના તેલુગુ ભાષાના ઉલ્લેખનીય લેખક તેમજ બ્યુરોક્રેટ (નોકરશાહ) પૈદીમરી વેંકટા સુબ્બારાવ દ્વારા ૧૯૬૨માં વિશાખાપટનમ ખાતેના તેમના જીલ્લા કોષાલય અધિકારી તરીકેના કાર્યકાળ દરમિયાન કરવામાં આવી હતી. તેમણે પોતાની રચના તત્કાલીન વરિષ્ઠ કોંગ્રેસી નેતા તેનેટ્ટી વિશ્વનંદમ તથા શિક્ષણ મંત્રી પી.વી.જી. રાજુને પ્રસ્તુત કરી હતી. ૧૯૬૩થી દરેક રાજ્યોની શાળાઓમાં પ્રતિજ્ઞા પત્રના પઠનની ક્રમશ: શરૂઆત થઈ હતી. જોકે પાઠ્યપુસ્તકોમાં આપવામાં આવતા પ્રતિજ્ઞા પત્રમાં તેના રચયિતાનો કોઈ ઉલ્લેખ જોવા મળતો નથી. આથી તેઓ રાષ્ટ્રગીત કે રાષ્ટ્રીય ગાનના રચયિતા જેટલા જાણીતા નથી. ભારત સરકારના માનવ સંશાધન વિકાસ મંત્રાલયના દસ્તાવેજોમાં પ્રતિજ્ઞા પત્રના રચયિતા તરીકે પી.વી.સુબ્બારાવનો ઉલ્લેખ જોવા મળે છે.[૧]
પ્રતિજ્ઞા પત્ર
[ફેરફાર કરો]India is my country. All Indians are my Brothers and Sisters.
I love my country and I am proud of its rich and varied heritage.
I shall always strive to be worthy of it.
I shall give my parents, teachers and all elders respect and treat everyone with courtesy.
To my country and my people, I pledge my devotion.
In their well being and prosperity alone, lies my happiness.
ગુજરાતી સંસ્કરણ
[ફેરફાર કરો]ભારત મારો દેશ છે.
બધા ભારતીયો મારા ભાઈ બહેનો છે.
હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે.
હું સદાય તેને લાયક બનવા પ્રયત્ન કરીશ.
હું મારા માતાપિતા શિક્ષકો અને વડીલો પ્રત્યે આદર રાખીશ અને દરેક જણ સાથે સભ્યતાથી વર્તીશ.
હું મારા દેશ અને દેશબાંધવોને મારી નિષ્ઠા અર્પું છું.
તેમના કલ્યાણ અને સમૃદ્ધિમાં જ મારું સુખ રહ્યું છે.
ઉપયોગ
[ફેરફાર કરો]સાર્વજનિક કાર્યક્રમો, ખાસ કરીને શાળાઓમાં તેમજ વિધાનસભાઓમાં સ્વાતંત્ર્ય દિવસ તથા પ્રજાસત્તાક દિવસ જેવા રાષ્ટ્રીય પર્વોની ઉજવણી વખતે તેનું પઠન કરવામાં આવે છે
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "The 'Pledge', now 50, is the pride of Telugus!". The Hindu. September 14, 2012.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- રાષ્ટ્રીય પ્રતિજ્ઞા પત્ર: ભારત અંગ્રેજી ભાષામાં.